True story from Gujarat : મને મારા ભાઈ પર ગર્વે છે, મારો વીરો મૃત્યુ બાદ (Live after Die) પણ ચાર-ચાર જરૂરિયાતમંદ લોકોને નવજીવન આપી ગયો. 22 વર્ષના બ્રેઈનડેડ યુવક વિજયના (Brain Dead Vijay) ભાઈ સચીનના શબ્દો છે. વિજયના મૃત્યુ થયાનું દુઃખ તેના પરિવારને ચોક્કસ હોય જ પણ વિજયના અંગદાને (Organ Donation) ચાર જીવ બચાવ્યાની (Life Save) વાતે તેના પર મહદઅંશે મલમ લગાવી દિધુ છે.
વિજાપુરના રહેવાસી વિજય રાવલ માર્ગ અકસ્માતમાં ઈજ્જાગ્રસ્ત થયો હતો. હાઈવે પર થયેલા અકસ્માતના કારણે તેની સ્થિતી ગંભીર હોવાથી મહેસાણાથી અમદાવાદ ખાતે વધુ સારવાર માટે ખસેડાયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉકટર્સની ટીમે તેની ઘણી સારવાર કરી પણ કુદરતને કંઈક બીજુ મંજૂર હતુ. અમદાવાદમાં સારવાર દરમિયાન જ વિજયના મગજ એ વ્યવસ્થિત કામ કરવાનું બંધ કરી દિધુ હતુ. ટૂંકમાં કહીએ તો વિજય હવે બ્રેઈનડેડ દર્દી હતો.
બ્રેઈનડેડની સ્થિતીમાં વ્યક્તિ જીવીત હોવા છતાં જીવીત નથી તેમ કહેવાય છે. ડૉકટરો આ સ્થિતીમાંથી મોટાભાગના કિસ્સામાં દર્દી સાજો થઈ જાય તેવું નથી માનતા. માટે હવે વિજયના પરિવાર માટે એક આઘાતજનક સ્થિતી નિર્માણ થવા જઈ રહી હતી. તો શું હવે વિજય આપણી વચ્ચે નહીં રહે તેવા વિચાર તેના પરિવાર અને મિત્રોને કોરી ખાતા હતા.
આ દરમિયાન રાજ્યમાં અંગદાનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શ્રી દિલીપભાઈ દેશમુખ ચેરીટેબર ટ્રસ્ટના સ્વયંસેવકો વિજયના પરિવારને મળવા વીજાપુર પહોંચે છે. સ્વયંસેવકો પણ ભારે હ્રદય સાથે વાસ્તવિક સ્થિતીની ચર્ચા કરે છે અને તેના પરિવારને અંગદાન કરવા માટે પ્રેરીત કરે છે. હવે વિજયના પરિવારે મોટો નિર્ણય કરવાનો હતો અને તેમને કર્યો, તેમના આ નિર્ણયથી કદાચ આજે પણ વિજય ગર્વ લેતો હશે.
True Story in Gujarati – વિજય મૃત્યુ બાદ પણ નવજીવન આપી ગયો
વિજયના પરિવારે બ્રેઈનડેડ વિજયના અંગદાનનો નિર્ણય લેતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરી ટેસ્ટ કરવામા આવ્યા. પરિવારની સંમતિના કાગળની પ્રક્રિયા કરી જરૂરીયાતમંદ ચાર વ્યક્તિને નવજીવન આપવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ હતી.
આ સરાહનિય કાર્યમાં ડૉકટર્સ અને પોલીસ વિભાગે પણ ખડેપગે સજ્જ રહી પોતાની ફરજ બજાવી હતી. વિજયે દાન કરેલા અંગો મેળવી જરૂરીયાતમંદ દર્દીના શરીરમાં રોપવા માટે સમયની પણ મર્યાદા હતા. સેકન્ડના સમયની પણ કિંમત ડૉકટર્સ અને પોલીસ સમજતા હતા. પોલીસ વિભાગે ગ્રીન કોરીડોરની સુવિધા ઉભી કરી હ્રદયનો સિમ્સ હોસ્પિટલ ખાતે અને ફેફસાને મુંબઈ પહોંચાડવા તેમજ લિવર અને કિડની અમદાવાદની સિવિલ મેડિસીટીના કિડની વિભાગમાં પહોંચાડવા માટે પુરો સહકાર આપ્યો. અને ડૉકટર્સની ટીમે સફળતા પુર્વક અંગો પ્રત્યારોપણ કરી ચાર દર્દીઓને નવજીવન આપ્યુ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ મીડિયાને જણાવ્યુ હતું કે, સિવિલ હોસ્પિટલે અત્યાર સુધીમાં 29 વિજય જેવા અંગદાતાઓના અંગ મેળવી 80 દર્દીઓમાં 95 અંગોનું સફળતા પુર્વક પ્રત્યારોપણ કર્યુ છે.
સિવિલ હોસ્પિટલની આ કાબિલ-એ-દાદ કામગીરી કહી શકાય, તેમજ મેડિકલ ક્ષેત્રે મોટી ક્રાંતિ પણ કહી શકાય. પરંતુ આ બધુ શક્ય બન્યુ જ્યારે કોઈને કોઈના વ્હાલસોયાના અંગદાન કરવામાં આવ્યા. કોઈ પોતાનું બ્રેઈનડેડ હોય તો અંગોનું દાન કરી દેવું એ સહેલુ લાગે એટલું પરિવાર માટે સહેલુ હોતુ નથી. આ કામ માટે પરિવારની હિંમત અને ઈશ્વરની કૃપા તો હોય જ છે સાથે અંગદાન વિશે જનજાગૃતિ માટે અથાક પ્રયાસ કરતા કાર્યકરોનું પણ એટલું જ યોગદાન હોય છે.
Published article at SatyaManthan Gujarati on Date 08/01/2022