Tushar Basiya/Milan Thakkar (મેરા ન્યૂઝ Rajkot): કોરોનાના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે મંત્રાલયમાં બેઠેલા મંત્રીઓ પાસેથી તો યોગ્ય પગલાંની આશા નાગરિકોએ છોડી જ દીધી છે. પણ ભણેલા ગણેલા વહીવટી અધિકારીઓ પણ સરકારની ચાવી ભરેલા રમકડાંની જેમ જ કામ કરી રહ્યા છે. તો હવે નાગરિકો કોના ભરોસે ?
રાજકોટ સહીત ગુજરાતમાં કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસીવીર ઈન્જેકશન માટે લોકો રઝળપાટ કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારની સંવેદનશીલતા જાણે ઉભરાઈ રહી હતી જે દાખવીને અન્ય રાજ્યોને આપવાનું શરૂ કરી દીધું છે. અને ગુજરાતમાં ઘરના છોકરાઓ ઘંટી ચાટે ને પારકાને આંટો આપવા જેવી સ્થિતિ ઊભી થઈ છે.
રાજકોટમાં રેમડેસીવીરની અછત બાબતે કલેક્ટર રમ્યા મોહન સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, “ખાનગી ડોક્ટર જરૂર ન હોવાં છતાં પણ રેમડેસીવીર લખી નાખે છે. માટે અમે ચેક કરીને પછી જ આપીએ છીએ.” જોકે તેમનો આ જવાબ રાજકોટના ખાનગી તબીબો પ્રત્યે પણ શંકા ઊભી કરી શકે છે. સાથે તેઓ એમ પણ જણાવે છે કે, “રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન સપ્લાય કરી રહી છે.”
એમની વાત સાંભળી, વિચારીને મેરાન્યૂઝને બીજા અનેક સવાલ ઊભા થયા. જેના જવાબ મેળવવા અમારા પ્રતિનિધિએ તેમેને અનેક વખત ફોન કર્યા પણ તેઓ કોઈ કારણસર ફોન રિસીવ કરી શક્યા નથી. તેથી આ જાહેર માધ્યમ મારફતે રાજકોટના નાગરિકોના હિતેચ્છુ સેવક, કલેક્ટર રમ્યા મોહનને જાહેર હિતમાં નીચેના સવાલ પૂછવા માગીએ છીએ.
Rajkot Collector રેમ્યા મોહન હવે આટલા પ્રશ્નના જવાબ જાહેરહિતમાં આપો…
1. જો ડૉકટર ખોટી રીતે રેમડીસીવીર પ્રિસ્ક્રાઇબ કરે છે(કોઈ પણ રીતે) તો એ ડૉક્ટર પર ગુન્હો કેમ નથી નોંધવામાં આવતો? જો નોંધવામાં આવ્યો હોય તો કયા કયા ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ?
2. જો રેમડીસીવીર ઈલાજ માટે ખૂબ જરૂરી નથી તો શા માટે અન્ય રાજ્યો મંગાવી રહ્યા છે ? અને કોર્પોરેશનમાંથી રેમડીસીવીર મેળવવા માટે કોરોના પોઝિટિવનો રિપોર્ટ કેમ અનિવાર્ય છે ?
3. રેમડીસીવીર ખૂબ કપરી સ્થિતિમાં જ ઉપયોગ થાય છે તો રોજ 2000 ઇન્જેક્શન રાજકોટમાં આપવાનો મતલબ રાજકોટમાં રોજ 2000 લોકો કપરી હાલતમાં હોય છે ?
4. રેમડીસીવીર ઈન્જેકશનનો જથ્થો પૂરતો છે તો શા માટે દર્દીઓને સમયે મળતો નથી ?
5. રેમડીસીવીર ઇન્જેક્શન રાજકોટમાં કેટલા ડોક્ટરોએ બિનજરૂરી રીતે પ્રિસ્ક્રાઇબ કર્યું છે તેની કોઈ તપાસ કરી છે ?
6. ખરેખર રેમડીસીવીર જે ઈલાજ માટે વપરાય છે એવા (કોરોના સિવાયના) દર્દીઓને રેમડીસીવીર ઇન્જેક્શન મળી રહે એ માટે શું વ્યવસ્થા છે ?
7. એવા કોઈ રિપોર્ટ કલેકટર ઓફીસ પાસે છે જેમાંથી ખ્યાલ આવે કે રેમડીસીવીરના ઉપયોગથી કેટલા જીવન બચ્યા?
8. ડોક્ટરે ખોટા ઈન્જેકશન લખ્યા છે એવું પ્રમાણિત કરવાની તમારી પદ્ધતિ કઈ છે ? શું એ નક્કી કરવા માટે તમારી પાસે કોઈ તબીબી ટીમ છે ?
9. જો ડોક્ટરે જરૂર વગર ઈન્જેકશન લખ્યા હોય તો, દર્દીને આપના તરફથી એવું કોઈ પ્રમાણપત્ર આપવામાં આવે છે કે,”આ ડોક્ટરે આ દર્દીને ઈન્જેકશન લખી આપ્યા છે. પણ ……… કમિટી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે કે, આમને રેમડીસીવીર ઈન્જેકશન આપવાની જરૂર નથી.”
અમે જાણીએ છીએ કે, તમે પોતે સિસ્ટમ નથી, સિસ્ટમનો એક ભાગ છો. બધું જ તમારા હાથમાં નથી, પણ તમે જે શહેરની જવાબદારી સંભાળો છો એ શહેરના નાગરિકોના હિતમાં પુછાયેલા સવાલના સ્પષ્ટ અને સચોટ જવાબ આપવા વિનંતી.
આશા અને વિશ્વાસ છે કે, તમે તમારા વ્યસ્ત સમયમાંથી તમારા નાગરિકો માટે આટલા પ્રશ્નના જવાબ આપવા જેટલો સમય પણ કાઢી જ લેશો.
Published article at Mera News Gujarati on Date 29/04/2021