Rajkot BJP Leaders Don’t Following Corona Guidelines. Tushar Basiya (Mera news, Rajkot): દેશમાં કોરોના વાઇરસ તાંડવ મચાવી રહ્યો છે, રોજ દર્દીના આંકડા વધી રહ્યા છે. કોરોના સામે લડવા સરકારે ગાઈડલાઈન બનાવી છે, પણ આ ગાઈડલાઈન માત્ર જનતાને જ લાગુ પડે છે તેવું જણાઈ છે.
રાજકોટના મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ ખુદ ખૂબ બાહોશી પૂર્વક સાધુઓ પાસેથી માસ્કનો દંડ લેતા હોય તેવા અખબારી અહેવાલો અને ફોટા પણ આવ્યા હતા. ત્યાં સુધી કે મનપા એ ચા પીતા અને રેસ્ટોરન્ટમાં જમતા લોકોને પણ દંડી નાખ્યા હતા. છતાં તેમને પોતાને જાણે કોઈ કાયદો લાગુ ના પડતો હોય તેમ આજી ડેમમાં પાણીના વધામણાં કરવા માસ્ક વિના દેખાયા, સોશિયલ ડિસ્ટન્સને અભેરાઈએ ચડાવી પેંડા પણ ખવડાવતા જણાયા.
સમગ્ર ઘટના એવી છે કે રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ ભાજપના નેતાઓ સાથે આજીડેમ ખાતે નવા નિરના વધામણાં કરવા પહોંચ્યા હતા. કોરોના સંકટ વચ્ચે દેશની લોકસભા અને રાજ્યસભા ચલાવવી એ પ્રશ્ને સરકાર ગોટે ચડી છે પણ અહીં પાણીના વધામણાં કરવાના તાયફા યોજાય છે.
સામાન્ય જનતા લગ્ન પ્રસંગે તો ઠીક અવસાન સમયે પણ એકઠી થાય તો પોલીસ ફરિયાદ દાખલ થાય તેવા કડ નિયમો છે, પણ અહીં તો બિનજરૂરી તાયફો યોજાયો જેમાં IAS અધિકારી સહિતના ભાજપના નેતાઓ હાજર હતા. કોરોના ગાઈડલાઈનનું ચીરહરણ થતું હતું, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ભૂલી પેંડા ખવડાવતા હતા. આ બધું માત્ર કમિશ્નર ઉદિત અગ્રવાલની હાજરીમાં જ નહીં પણ તેમના ખુદ દ્વારા થતું હતું.
આ જ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ખુદ પોતે અને તેમના પત્ની અંજલી રુપાણીએ ઓનલાઈન વધામણા કરી પોતાની રાજ્ય અને ધાર્મિક બંને ફરજો નિભાવી હતી પરંતુ અહીંના સ્થાનિકોની તો વાત અલગ જ હતી. જોકે રુપાણી પોતે પણ આ સભ્યોને આ બાબત પર ખોંખારીને કહી શક્તા હતા પરંતુ તેવું થયું નહીં.

દુઃખ સાથે કહેવું પડે છે કે કમિશનરના નિર્ણયો અને એક તરફી કાર્યવાહીઓના લીધે રાજકોટની પ્રજામાં કમિશનરની ગણતરી રબ્બર સ્ટેમ્પમાં કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવામાં શુરા કમિશનરે આંકડા છૂપાવવા નામની જાહેરાત બંધ કરી, કેમકે તેમને પ્રાઇવસીના કાયદાનું જ્ઞાન થયું હતું.
પરંતુ જ્યારે મેરાન્યૂઝ દ્વારા લોકડાઉન દરમ્યાન તેમને લોકોના નામ શા માટે સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવે છે તેવું પૂછતા તેઓને પ્રાઈવસીનો ભંગ થતો જણાતો નહોતો, ઉલટાનું ખૂબ સારું કાર્ય જણાવતા હતા.
અત્રે નોંધનીય છે કે, રાજકોટમાં ધ્વજવંદન કરતો માણસ, રામનાથ મહાદેવના પૂજારી, રેસ્ટોરન્ટમાં જમતા લોકો, ચા પીતા વ્યક્તિ સહિત અનેક લોકો પર દંડ અને કાયદાકીય કાર્યવાહીનો કોરડો વિંઝવામાં આવ્યો પરંતુ ભાજપના ઘણાં કાર્યક્રમો થયા ત્યાં કેમ કાયદો લાગુ પાડવામાં નથી આવતો.
અહીં ભારતનો કાયદો નતમસ્તક થાય તેવું કહેવું યોગ્ય નથી પરંતુ કાયદાના પાલન કરનારા નેતાઓની મહેફિલમાં મુજરા કરતા હોય તેવું લાગે છે તે કહેવામાં અતિશયોક્તિ નથી.
Published article at Mera News Gujarati on Date 19/08/2020