Open Latter To Chief Minister: મુખ્યમંત્રીજી કોરોના વાયરસનો કહેર રાજ્યના રાજકોટ (Rajkot) અને સુરત શહેર (Surat) સહિતના મહાનગરોને ભરડો લઈ ગયો છે. આ વાત સાચી છે કે ખોટી એ બાબતે રાજકીય સલાહકારો કરતા આપના આત્માને પૃચ્છા કરશો તો વધારે સમજાઈ શકે તેવી છે. આપના ખુદના રહેઠાણના શહેર રાજકોટની હાલત ખુબ ખરાબ છે, એ વાત તમારે ખુદે સ્વિકાર કરવી પડે તેમ છે. કારણ કે રાજકોટ સિવીલ હોસ્પીટલમાં સામાન્ય દર્દીઓને ભરતી બંધ કરવામાં આવી છે (ખુબ જ ઈમરજન્સી સિવાય). તેમજ કોરોના સંક્રમિત દર્દીઓને પણ ગઈકાલે એમ્બ્યુલન્સ કે વાહનમાં જ સારવાર આપવામાં આવી રહી હતી. સિવીલ હોસ્પીટલના સ્ટાફની પણ કાબિલે દાદ મહેનતને વખાણવી પડે કે તેઓ સારવાર આપવા માટે તત્પર હતા, પરંતુ આપ મુખ્યમંત્રીના પદે રહેવા છતાં એક વર્ષમાં કોરોનાના (Corona) દર્દી માટે સુવિધા ઉભી કરવામાં નાકામ રહ્યાં છો તે વાત પણ કહેવી પડે તેમ છે.
રાજકોટની સરકારી હોસ્પિટલને સામાન્ય દર્દીઓ માટે એડમીશન બંધ કરવું પડ્યું છે. આ વાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શરમજનક ઘટના હોય એ આપ પણ સમજી શકો છો. અગાઉ પણ આ પ્રકારે એક અહેવાલ અને એક પત્ર આપના નામે લખીને સુચીત કરી ચૂક્યો છું, પરંતુ કદાચ આપના એ ધ્યાને નહીં આવ્યો હોય તેવું જણાય છે. રાજ્યના એક પુર્વ રાજ્યસભા સાંસદ કે જેમણે રાજ્યસભામાં પ્રવેશ પહેલા જ કોરોનાના કારણે દેહ ત્યાગ કરી દિધો હતો અને હવે રાજ્યની પ્રજા દેહ ત્યાગી રહી છે તો આપની પાસે આશા છે કે આપ આ પત્રને ધ્યાને લઈ યોગ્ય કરશો.
આજે રાજકોટ, સુરત સહિતના શહેરો સાથે ગામડાંની સ્થિતી અંગે કદાચ પત્રકારો કરતા વધારે મુખ્યમંત્રી કાર્યાલયને ખ્યાલ હશે. સિવીલ હોસ્પિટલમાં દર્દીઓ સબડી રહ્યાં છે, કોરોના સિવાયના દર્દીઓ માટે એડમીશન બંધ છે. ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ખર્ચ ખમી શકે તેમ નથી. આર્થિક સુખી વર્ગ પણ હોસ્પિટલમાં પરીજનોની સારવાર માટે આજીજી કરે છે, કોરોનાની સારવાર માટે રેમડીસીવીર ઈન્જેકશન માટે લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર છે છતાં મળતા નથી.
આપ જ વિચારો કે આપના સ્થાને કોઈ મુખ્યમંત્રી સત્તા પર હોય તો તે મુખ્યમંત્રીને નિષ્ફળ મુખ્યમંત્રી કહેવાય કે નહીં ? આશા નથી કે આપ આ લેખનો પ્રત્યુત્તર આપશો પણ આશા છે કે સ્થિતિને કાબુમાં લેવા તાત્કાલિક કોઈ મહત્વના નિર્ણયની જાહેરાત કરશો કે જેનાથી કોરોના સહિતના સામાન્ય દર્દીઓને રાહત મળી રહે. આ બાબતે આપના વિરૂધ્ધમાં લખવા જેવું ઘણું બધું છે પરંતુ હાલ સ્થિતિ લખવાની કે વિરૂધ્ધમાં લખવાની નથી જણાતી માટે આપને માત્ર સ્થિતિ કાબુમાં લેવાની ભલામણ કરવા આ પત્ર લખવાની એક પત્રકાર તરીકે ફરજ અદા કરૂં છું.
Published article at Mera News Gujarati on Date 12/04/2021